ધનતેરસના દિવસે કરોડોનું સોનું વેચાતા વેપારીઓ ગેલમાં
jwellery shop
સુરત ઃ ધનતેરસના દિવસે શહેરમાં કરોડો રૂપિયાનું સોનું વેચાતા સોનાના વેપારીઓ હર્ષઘેલા થયા છે. ઝવેરી બજારના સૂત્રો મુજબ 40 કરોડ રૂપિયાનું એટલે કે 85 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાના ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતું. ગયા વરસ કરતાં સોનાના વેચાણમાં 15થી 20 ટકા જેટલો વધારો નોંધાતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવી શુભ મનાય છે. જેને લઈને લોકો ધનતેરસના દિવસે સોનું તેમજ ચાંદી ખરીદી કરવામાં લાગી પડ્યા હતા. સુરત શહેરમાં અંદાજે 2500 નાની મોટી જ્વેલરી શોપ આવેલી છે.
ધન તેરસના દિવસે તમામ શોપમાં મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. કોરોના લોકો દ્વારા બચત મોટા પ્રમાણમાં કરાઈ હતી. ત્યારે લોકો દ્વારા આ વર્ષે પુષ્યનક્ષત્ર અને ધનતેરસે સોનામાં સોનાની લગડી, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી, પ્લેટીનમ જ્વેલરી, ટેમ્પલ જ્વેલરી સહિતની દાગીના જ્યારે ચાંદીમાં દાગીના, ચાંદીના વાસણોનું વેચાણ અને ચાંદીના સિક્કાનું વેચાણ થયું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે સોનાના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન ગુજરાત બોર્ડના એડવાઈઝરી મેમ્બર નૈનેષ પચ્ચીગર અનુસાર ‘ધનતેરસ માટે લોકોએ લાઈનમાં ઉભું રહેવું ન પડે તે માટે એડવાન્સમાં બુકિંગ કરાવાયું હતું. જોકે, લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે નીકળતાં શહેરના મોટા ભાગના જ્વેલરી શોપમાં લોકોનું કિડિયારું જોવા મળ્યું હતું.


