સુરતમાં ભવ્ય ‘MSME કોન્ક્લેવ-2026’નું આયોજન, નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે આગળ વધારવા પર ભાર
chember-24-10-2026-1
‘MSME માત્ર નાનો વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણમાં મોટી ભૂમિકા ભજવતું ક્ષેત્ર છે’: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
દક્ષિણ ગુજરાતની 100 કંપનીઓનું ટર્નઓવર ત્રણ ગણું કરવા ‘એક્સેલરેટ પ્રો’ અને સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ માટે ‘લિફ્ટ ઑફ’ કાર્યક્રમ શરૂ
JAINSHILP SAMACHAR, SURAT
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ની MSME સમિતિ અને ગુજરાત સરકારના સેન્ટર ફૉર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હૉલમાં ભવ્ય ‘MSME કોન્ક્લેવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય યોજનાઓ, આધુનિક ટેક્નોલોજી, નાણાકીય સુવિધાઓ તેમજ વૈશ્વિક પુરવઠા શૃંખલા સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઔદ્યોગિક વિભાગોના અધિકારીઓ, બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો તથા મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.
MSME ભારતીય અર્થતંત્રનું શક્તિશાળી એન્જિન: અશોક જીરાવાલા
કોન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન આપતાં ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે કોઈપણ દેશની વાસ્તવિક આર્થિક શક્તિ માત્ર ગણતરીના મોટા ઔદ્યોગિક જૂથોથી નહીં, પરંતુ લાખો નાના અને મધ્યમ ઉદ્યોગોની ક્ષમતાથી નક્કી થાય છે. MSME ક્ષેત્ર માત્ર નાનો વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું ક્ષેત્ર છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં MSME ક્ષેત્રનો ફાળો આશરે 31.1 ટકા, ઉત્પાદન ક્ષેત્રમાં 35.4 ટકા અને દેશની કુલ નિકાસમાં આશરે 48.58 ટકા છે. ગુજરાતમાં ઉદ્યમ પોર્ટલ પર 18 લાખથી વધુ એકમો નોંધાયેલા છે, જેના માધ્યમથી રાજ્યમાં 1 કરોડ 15 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 20 ટકા MSME એકમોનું નેતૃત્વ મહિલા ઉદ્યોગસાહસિકો કરી રહી છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસની સકારાત્મક તસવીર રજૂ કરે છે.
જીરાવાલાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં માત્ર ઓછા ખર્ચે ઉત્પાદન કરવું પૂરતું નથી. ઉદ્યોગોએ ગુણવત્તા, આધુનિક ટેક્નોલોજી, ડિજિટલ માર્કેટિંગ અને નાણાકીય શિસ્ત પર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. MSME એકમોએ માત્ર વ્યવસાય ચલાવવા પૂરતા સીમિત રહેવાને બદલે વિકાસ અને વિસ્તરણ તરફ આગળ વધવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે આ માટે સમયસર નાણાકીય સહાય, ટેક્નોલોજીનું આધુનિકીકરણ અને બજાર સુધી પહોંચ—આ ત્રણ મુખ્ય આધારસ્તંભ છે. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ચેમ્બરે વાધવાણી ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત દક્ષિણ ગુજરાતની પસંદ કરાયેલી 100 કંપનીઓનું ટર્નઓવર ત્રણ ગણું કરવાના લક્ષ્ય સાથે ‘એક્સેલરેટ પ્રો’ અને સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ માટે ‘લિફ્ટ ઑફ’ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
સરકારી યોજનાઓ, સબસિડી અને નિકાસ માટેની નાણાકીય સુવિધાઓ અંગે માર્ગદર્શન
કોન્ક્લેવ દરમિયાન યોજાયેલા વિવિધ ટેક્નિકલ સત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા નાણાકીય નિષ્ણાતોએ ઉદ્યોગકારોને ઔદ્યોગિક વિકાસ, સરકારી પ્રોત્સાહનો, ટેક્નોલોજીના આધુનિકીકરણ અને આંતરરાષ્ટ્રીય વેપારની સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC): ઉદ્યોગ વિભાગના સંયુક્ત કમિશનર તથા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે. બી. દવેએ ગુજરાતની ઔદ્યોગિક નીતિઓ, વિકસિત ગુજરાત નીતિ-2026 હેઠળ ઉપલબ્ધ સબસિડી, પ્રોત્સાહનો અને MSME એકમો માટે અમલમાં રહેલી વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી આપી હતી.
MSME વિકાસ અને સુવિધા કચેરી: ભારત સરકારની MSME વિકાસ અને સુવિધા કચેરીના નિવૃત્ત સહાયક નિયામક ટી. કે. સોલંકીએ વિલંબિત ચુકવણી સંબંધિત વિવાદોના ઉકેલ, 45 દિવસની અંદર ચુકવણી કરવાની જોગવાઈ તથા ઑનલાઇન વિવાદ નિવારણ (ODR) પોર્ટલ અંગે વિગતવાર સમજ આપી હતી. તેમણે ઉદ્યોગકારોને ઉદ્યમ પોર્ટલ પર નોંધણી કરાવવાના મહત્ત્વથી પણ માહિતગાર કર્યા હતા.
ગુણવત્તા પ્રમાણપત્ર અને માર્કેટિંગ સહાય: MSME-DFO, અમદાવાદના સહાયક નિયામક ઉમેશ શર્માએ ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) પ્રમાણપત્ર, સરકારી ખરીદી, માર્કેટિંગ સહાય તેમજ વેપાર મેળાઓ અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે ઉપલબ્ધ સરકારી સહયોગ અંગે માહિતી આપી હતી.
ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ: CED, ગાંધીનગરના OSD ધર્મેન્દ્ર પંડ્યાએ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ, કૌશલ્યવર્ધન અને નવા સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નિકાસ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સુવિધાઓ: એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઑફ ઇન્ડિયા (એક્ઝિમ બેન્ક), અમદાવાદના પ્રાદેશિક વડા કપિલ પંડ્યાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉપલબ્ધ તકો, વૈશ્વિક પુરવઠા શૃંખલા સાથે જોડાવાની રીતો તેમજ નિકાસકારો માટે નિકાસ ધિરાણ અને નાણાંકીય સુવિધાઓ અંગે માહિતી આપી હતી. તેમણે વૈશ્વિક બજારોમાં પોતાની પહોંચ વધારવા માટે ઉપલબ્ધ નાણાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ કરવા ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
પ્રશ્નોત્તરી સત્રમાં ઉદ્યોગકારોએ મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યા
નિષ્ણાતોના માર્ગદર્શન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉદ્યોગકારોએ પોતાની વ્યાવસાયિક સમસ્યાઓ અને સરકારી યોજનાઓ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને વિલંબિત ચુકવણી, વિવાદ નિવારણની પ્રક્રિયા, સરકારી સહાય અને નાણાકીય સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ ઉદ્યોગકારોના પ્રશ્નોના જવાબ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ચેમ્બરના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની ઉપસ્થિતિ
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ SGCCIના ગ્રુપ ચેરમેન કિરણ ઠુમ્મરે કાર્યક્રમની પ્રાસંગિકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમિતિના સહ-અધ્યક્ષ તુષાર કુંવાડિયા તથા સમિતિના સભ્યો જગદીશ બલદાણિયા, CA દિલીપસિંહ ગેહલોત, વિજય વઘાસિયા અને ધર્મેન્દ્રસિંહ સોલંકીએ વક્તાઓનો પરિચય કરાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ MSME સમિતિના અધ્યક્ષ મનીષ બજરંગે કરી હતી. આ પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈ, માનદ મંત્રી પરેશ લાઠિયા, માનદ ખજાનચી અતુલ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ક્લેવના માધ્યમથી ઉદ્યોગકારોને સરકારી યોજનાઓનો લાભ લેવા, ટેક્નોલોજીકલ ક્ષમતા વધારવા, નાણાકીય પડકારોનું નિરાકરણ લાવવા તેમજ સ્થાનિક વ્યવસાયને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.


