ચેમ્બર-સીઈડી-ગાંધીનગરના ઉપક્રમે સરસાણા ખાતે ભવ્ય ‘MSME કૉન્ક્લેવ 2026’ યોજાયો
chember-24-10-2026
MSME એટલે માત્ર સ્મોલ બિઝનેસ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં Big Impact; નાના ઉદ્યોગો ભારતીય અર્થતંત્રનું સૌથી શક્તિશાળી ગતિમાન એન્જિન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
એમએસએમઈ એકમો માત્ર ટકી રહેવાના પ્રયાસ (સર્વાઇવલ મોડ)માંથી નીકળી વિસ્તરણના માર્ગ (ગ્રોથ મોડ) પર આગળ વધે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
દક્ષિણ ગુજરાતની 100 કંપનીઓનું ટર્નઓવર 3 ગણું વધારવા વાધવાણી ફાઉન્ડેશન સાથે ‘એક્સલરેટ પ્રો’ અને ‘લિફ્ટ ઓફ’ પ્રોગ્રામ કાર્યરત
કેન્દ્ર અને રાજ્ય સરકાર અને EXIM બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકારી સબસિડી, ટેકનોલોજી અને એક્સપોર્ટ ફાઇનાન્સ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
જૈનશિલ્પ સમાચાર, સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ની ‘MSME કમિટી’ દ્વારા સીઈડી-(સેન્ટર ફોર એન્ટ્રપ્રોન્યોરશિપ ડેવલપમેન્ટ, ગુજરાત સરકાર) ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાયકારી યોજનાઓ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડવાના ઉદ્દેશથી શુક્રવાર, 23 ઑક્ટોબર 2026ના રોજ સવારે 10:00 કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ભવ્ય ‘MSME કૉન્ક્લેવ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્ક્લેવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ ઔદ્યોગિક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, બેંકિંગ નિષ્ણાતો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
MSME એ અર્થતંત્રનું ગતિમાન એન્જિન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
કૉન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “કોઈપણ દેશની સાચી આર્થિક તાકાત મુઠ્ઠીભર મોટા કોર્પોરેટ્સથી નથી મપાતી, પરંતુ લાખો નાના અને મધ્યમ ઉદ્યોગોના અદમ્ય સામર્થ્યથી મપાય છે. MSME એટલે માત્ર સ્મોલ બિઝનેસ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં Big Impact છે. આજે ભારતના જીડીપીમાં MSME સેક્ટરનો હિસ્સો આશરે 31.1%, ઉત્પાદનમાં 35.4% અને દેશની કુલ નિકાસમાં 48.58% જેટલો માતબર છે. જ્યારે ગુજરાતમાં ઉદ્યમ પોર્ટલ પર 18 લાખથી વધુ એકમો નોંધાયેલા છે, જેના થકી રાજ્યના 1 કરોડ 15 લાખથી વધુ લોકોને રોજીરોટી મળે છે. એટલું જ નહીં, ગુજરાતમાં લગભગ 20% MSME એકમોનું નેતૃત્વ મહિલા ઉદ્યોગસાહસિકો સંભાળી રહી છે, જે ગૌરવપૂર્ણ બાબત છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “હવે માત્ર સસ્તું ઉત્પાદન પૂરતું નથી; આજનો યુગ ગુણવત્તા, ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ અને નાણાકીય શિસ્તનો છે. એમએસએમઈ એકમો હવે ‘સર્વાઇવલ મોડ’માંથી બહાર નીકળી ‘ગ્રોથ મોડ’ તરફ આગળ વધે તે માટે ત્રણ પાયાના સ્તંભ—સમયસર નાણાંકીય સહાય, ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ એક્સેસ અનિવાર્ય છે. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા ચેમ્બરે વૈશ્વિક સ્તરે ખ્યાતનામ વાધવાણી ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે. જેના અંતર્ગત દક્ષિણ ગુજરાતની પસંદગીની 100 કંપનીઓનું ટર્નઓવર 3 ગણું (3X) વધારવા ‘એક્સલરેટ પ્રો’ તેમજ સૂક્ષ્મ સાહસોના વિકાસ માટે ખાસ ‘લિફ્ટ ઓફ’ (Lift Off) પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યા છે.”
સરકારી યોજનાઓ અને આંતરરાષ્ટ્રીય બજારો અંગે તજજ્ઞોનું માર્ગદર્શન
કૉન્ક્લેવ દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં તજજ્ઞો દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા:
1. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC): ઉદ્યોગ વિભાગના સંયુક્ત કમિશનર અને સુરત DICના જનરલ મેનેજર શ્રી જે. બી. દવેએ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ, વિકસિત ગુજરાત નીતિ 2026 હેઠળ સબસિડી સહાય, પ્રોત્સાહનો અને MSME એકમો માટેની વિવિધ સહાયકારી યોજનાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.
2. MSME-DFO (ભારત સરકાર): ભારત સરકારના MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસના નિવૃત્ત આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી ટી. કે. સોલંકીએ 45 દિવસ વિલંબિત ચુકવણી-વિવાદ સમાધાન અને ઓડીઆર પોર્ટલ વિશે વિસ્તૃત સમજ આપી ઉદ્યમ પોર્ટલ પર નોંધણી પર ભાર મૂક્યો.
3. MSME-DFO (ભારત સરકાર): ભારત સરકારના MSME-ડીએફઓ, અમદાવાદના આસિ. ડાયરેક્ટર શ્રી ઉમેશ શર્માએ ઝેડઈડી સર્ટિફિકેશન, ખરીદી અને માર્કેટિંગ સપોર્ટ, વેપાર પ્રદર્શનોમાં સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું.
4. સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED): સીઈડી, ગાંધીનગરના ઓએસડી શ્રી ધર્મેન્દ્ર પંડ્યાએ ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ, કૌશલ્ય સંવર્ધન અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
5. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા (EXIM Bank): એક્ઝિમ બેંક, અમદાવાદના રીજનલ હેડ શ્રી કપિલ પંડ્યાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં રહેલી તકો, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પ્રવેશ અને નિકાસકારો માટે એક્સપોર્ટ ક્રેડિટ તથા ફાઇનાન્સિંગ ફેસિલિટી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રશ્નોત્તરી સત્ર
તજજ્ઞોના વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરી (Q&A) સત્રમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, ખાસ કરીને વિલંબિત પેમેન્ટ અને સમાધાન પ્રક્રિયા વિશે, જેનું નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.
કૉન્ક્લેવની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ભૂમિકા SGCCIના ગ્રૂપ ચેરમેન શ્રી કિરણ ઠુમ્મરે રજૂ કરી હતી. વક્તાઓનો પરિચય કમિટીના કો-ચેરમેન શ્રી તુષાર કુવાડિયા, સભ્યો શ્રી જગદીશ બલદાણિયા, સીએ દિલીપ સિંહ ગેહલોત, શ્રી વિજય વઘાસિયા અને શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકીએ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ MSME કમિટીના ચેરમેન શ્રી મનીષ બજરંગ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈ, માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


