ચેમ્બરની સિગ્નેચર ક્લબ દ્વારા ‘રોલ ઓફ ઈમેજિનેશન એન્ડ ઈનોવેશન ઈન બિઝનેસ ગ્રોથ’ પર સેમિનાર યોજાયો
chembar-20-9-2026
વેપાર સ્પર્ધાથી નહીં પરંતુ પરસ્પર સહયોગ અને સમન્વયથી આગળ વધે છે: ટાટા સન્સના પૂર્વ ડિરેક્ટર આર. ગોપાલકૃષ્ણન
પ્રવાહ સાથે તરવાને બદલે અનોખા વિચાર અને કલ્પનાશક્તિથી પ્રવાહની દિશા બદલે તે જ સાચો વિજેતા: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
જીવન અને વ્યવસાયના ટકાઉ વિકાસ માટે 3I (ઈન્ટ્યુઈશન, ઈનોવેશન અને ઈમેજિનેશન) અનિવાર્ય આધારસ્તંભ
સુરત, 19 સપ્ટેમ્બર 2026:ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ની સિગ્નેચર ક્લબ દ્વારા ગુરુવાર, તા. 17 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 06:30 કલાકે, ડુમ્મસ રોડ સ્થિત ‘ધી એમોર’ હોટેલ ખાતે ‘રોલ ઓફ ઈમેજિનેશન એન્ડ ઈનોવેશન ઈન બિઝનેસ ગ્રોથ’ વિષય પર એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ટાટા સન્સના પૂર્વ ડિરેક્ટર, હિન્દુસ્તાન યુનિલિવરના પૂર્વ વાઇસ ચેરમેન તેમજ યુનિલિવર અરેબિયાના પૂર્વ ચેરમેન શ્રી આર. ગોપાલકૃષ્ણને મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સુરતના અગ્રણી ઉદ્યોગકારોને વ્યાપાર વૃદ્ધિ અને સંચાલન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિજેતા પ્રવાહની દિશા બદલી નાખે છે: અશોક જીરાવાલા
કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “વ્યવસાયમાં વિજેતા એ નથી હોતા જે માત્ર પ્રવાહની સાથે તરે છે, પરંતુ વિજેતા એ છે જે પોતાની અદભુત કલ્પનાશક્તિ અને નાવીન્યથી આખા પ્રવાહની દિશા બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. ભવિષ્ય કેવું હશે તેની રાહ જોવાને બદલે, આપણા મૌલિક વિચારો, દીર્ઘદ્રષ્ટિ અને સાહસિક નિર્ણયો થકી આપણે પોતે જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું પડશે.”
સ્પર્ધા નહીં, સહયોગથી વિકાસ: આર. ગોપાલકૃષ્ણન
મુખ્ય વક્તા શ્રી આર. ગોપાલકૃષ્ણને પોતાના બહોળા ઔદ્યોગિક અનુભવના આધારે જણાવ્યું હતું કે, “ભગવાને મનુષ્યને એક સામાજિક પ્રાણી બનાવ્યું છે, કોઈ વ્યક્તિ એકલો સંપૂર્ણ સર્જનશીલ હોતો નથી. દરેક વ્યક્તિ એકબીજા પાસેથી શીખીને જ આગળ વધે છે. આજના યુગમાં વ્યવસાય માત્ર ગળાકાપ હરીફાઈથી નહીં, પરંતુ પરસ્પર સહયોગ અને સમન્વય થકી જ નવી ઊંચાઈઓ સર કરે છે. જે વ્યક્તિ પોતાનામાં અપૂર્ણતા સ્વીકારીને સદાય જિજ્ઞાસુ રહે છે, તે જ જીવન અને વેપારમાં સફળતા મેળવે છે.”
3I ફોર્મ્યુલા – ઈન્ટ્યુઈશન, ઈનોવેશન અને ઈમેજિનેશન:
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વ્યવસાયના ટકાઉ વિકાસ માટે ‘3I’નો સિદ્ધાંત પાયારૂપ છે. કલ્પનાશક્તિ (ઈમેજિનેશન) ઉદ્યોગસાહસિકને આવનારા સમયની નવી તકો અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અગાઉથી પારખવામાં મદદ કરે છે, જ્યારે નવપ્રવર્તન (ઈનોવેશન) તે કલ્પનાને વાસ્તવિક વ્યાપારી ઉકેલમાં રૂપાંતરિત કરે છે. નવી પ્રોડક્ટ, આધુનિક ટેક્નોલોજી કે કાર્યપદ્ધતિમાં નવીનતા લાવીને ઉદ્યોગો પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા વધારી શકે છે.
આ પ્રસંગે બોમ્બે ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ ડૉ. રાજેશ દોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સિગ્નેચર ક્લબના ચેરમેન શ્રી કૃણાલ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જ્યારે સિગ્નેચર ક્લબના પ્રીમિયમ મેમ્બર શ્રી પ્રદીપ સિંઘીએ સિગ્નેચર ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરી અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. ચેમ્બરના ગોલ્ડ મેમ્બર CA (ડૉ.) પ્રજ્ઞેશ જગાશેઠે મુખ્ય વક્તાનો પરિચય કરાવ્યો હતો. સમગ્ર સેમિનારનું સુચારુ સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયાએ કર્યું હતું અને ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ આભારવિધિ સંપન્ન કરી હતી.


