સગાઈ રેન્જમાં સાગી લાકડાની હેરાફેરીનો પર્દાફાશ! બંટાવાડી સીમ માંથી પીકઅપ સહિત રૂ. 5.82 લાખનો મુદ્દામાલ જપ્ત
sagilakada-8-9-26
નાઈટ પેટ્રોલિંગમાં બોલેરો પીકઅપ ઝડપાઈ: 28 નંગ સાગી લાકડા સાથે બે શખ્સો સામે કાર્યવાહી
સગાઈ રેન્જમાં નાઈટ પેટ્રોલિંગની મોટી કાર્યવાહી: લાખોનો સાગી લાકડાનો જથ્થો ભરેલી પીકઅપ ઝડપાઈ
ડેડીયાપાડા: સગાઈ રેન્જ સ્ટાફ દ્વારા તા. ૦૨/૦૯/૨૦૨૬ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીના આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પીકઅપ ગાડી નં. GJ-19-Y-0318નો પીછો કરી તેને રોકવામાં આવી હતી.
વાહનની તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-૨૮, ઘનફળ ૨.૧૭૦ ઘનમીટર, અંદાજિત કિંમત રૂ. ૧,૩૨,૬૯૭નો મુદ્દામાલ મળી આવ્યો હતો. વન વિભાગના સ્ટાફે લાકડા સાથે વાહન પણ જપ્ત કર્યું હતું.
આ મામલે વાહનચાલક સોમાભાઈ સોનજીભાઈ વસાવા, રહે. કનબુડી, તા. દેડીયાપાડા, જી. નર્મદા તેમજ તપાસ દરમિયાન મળી આવેલ ખાનસીંગભાઈ નગરીયાભાઈ વસાવા, રહે. નાનીસીંગલોટી, તા. દેડીયાપાડા, જી. નર્મદા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જપ્ત કરાયેલા સાગી લાકડાની કિંમત રૂ. ૧,૩૨,૬૯૭ તથા બોલેરો પીકઅપ વાહનની કિંમત રૂ. ૪,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૮૨,૬૯૭નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સગાઈ રેન્જમાં રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન જંગલ સંપત્તિની હેરાફેરી ઝડપાતા વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે જંગલ માંથી આટલો લાકડાનો જથ્થો વાહનમાં ભરીને બહાર નીકળ્યો ત્યાં સુધી અગાઉની પેટ્રોલિંગ વ્યવસ્થા અને દેખરેખ કેટલી અસરકારક હતી? હવે આ સમગ્ર મામલે લાકડું ક્યાંથી કાપવામાં આવ્યું, કોના દ્વારા કાપવામાં આવ્યું અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે દિશામાં વધુ તપાસ થાય તે જરૂરી બન્યું છે.


